અમે જોયું, મળ્યા અને એકબીજાને પસન્દ કર્યા,
અને ત્યારબાદ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા.
છેડાછેડી બાંધી, અમે તનમનથી એક થયા,
જેના પછી સાત ફેરાં સાથે, સાત વચન લેવાયાં.
પ્રભુના માર્ગદર્શનમાં આદર સાથે પ્રથમ પગલું ભર્યું,
સન્માનનીય રીતે ભોજન મળતું રહે, એ વચન આપ્યું.
બીજા ફેરમાં જીવનની સુખ શાંતિ માટે લીધી કસમ,
સાથે ચાલી, એકબીજાની શક્તિ બનશું હરદમ.
જીવનમાં આધ્યાત્મિક અને ધાર્મિક કર્તવ્યનું પાલન કરીશું,
ત્રીજા ફેરમાં અમે એકબીજાને આ વચન આપ્યું.
સૌહાર્દપૂર્ણ તથા પરસ્પર પ્રેમ સાથે જીવન વિતાવીએ,
ચોથા ફેરામાં એવા નેક ઉદ્દેશ્ય સાથે આગળ વધઈએ.
પાંચમા ફેરાનું વચન હોય છે વિશ્વનું કલ્યાણ અને સંતાનપ્રાપ્તિ,
સાથે મળી વધારશું જીવનની આ સંપત્તિ.
તમામના સુખમાં દંપતીનું પણ ભલું થશે,
એવી કામના સાથે છઠ્ઠા ફેરાનું આગમન કરીએ.
પતિ-પત્નિ બની, વિશ્વાસ, એકતા અને શાંતિ સાથે જીવન વ્યતીત કરીશું,
આ વચન આપી, સાતમા ફેરા સાથે વિવાહ સંપન્ન થયું.
પણ અમારું વાસ્તવિક જીવન હવે શરું થશે,
જ્યારે હર સમય આ વચનો યાદ રહેશે.
પરિસ્થિતિ જે પણ હોય, સાથે મળી સામનો કરીશું,
તો જ આપણા પ્રેમની કસોટી પર ખરા ઉતરશું.
એક સ્મિત સાથે બધા ઉતાર ચડાવને જોઈ લઈશું,
બસ તારો સાથ ન છૂટે, એ પ્રાર્થના કરું છું.
શમીમ મર્ચન્ટ