ઝંખના ના છે સદા કિરતાર, સાથે ચાલ તું.
જિંદગીમાં તું કદમ બે ચાર, સાથે ચાલ તું.
અંગ તૂટે, સંગ છૂટે કોણ ક્યારે લે રજા,
થ્યો સમય પણ કેટલો લાચાર,સાથે ચાલ તું.
એકલું એકાંત લાગે મોતનો સંદેશ છે,
બસ બનીને શ્વાસનો આધાર,સાથે ચાલ તું.
છોડ ને ના કાઢ સરવૈયું નફા નુકશાનનું,
તું કરીને માફનો વહેવાર, સાથે ચાલ તું.
છે મહામારી સભર ના આવજે સાક્ષાત તું,
દૂરથી દેવા કરમનો સાર, સાથે ચાલ તું.
પાયલ ઉનડકટ