સાવ ખાલીખમ કશું ભીતરને કરતું જાય છે,
શૂળ તીણું એ પછીથી ત્યાં સતત ભોંકાય છે.
થઈ કલમ બેબાકળી આવું તે શાને થાય છે?
શબ્દ મારો ટેરવેથી છટકી ક્યાં ખોવાય છે!
સામે કાંઠે જઈ શકાતું, વ્હેણ પણ ઓછું હતું.
પટ નદીનો વિસ્તરી બન્ને તટે છલકાય છે.
મન મૂકી જ્યારે વરસતો મેહુલો પૂછે મને,
“કેમ ભીંજાવું નથી?” શું શું કહું ધોવાય છે.
ચૂપ રહેવાની શરતમાં હોડ તો માંડી દીધી,
એક ડૂમો ભીંસ આપી ખુદ હવે ગુંગળાય છે.
પૂર્ણિમા ભટ્ટ ‘શબરી’