સિતારા ડૂબતા દેખાય ત્યારે મૌન પાળું છું.
અડોઅડ દૂરતા દેખાય ત્યારે મૌન પાળું છું.
અડોઅડ દૂરતા દેખાય ત્યારે મૌન પાળું છું.
વિકસતી જોઇ છે ઢંકાઇને પણ વિદ્વતા કાયમ,
ઉઘાડી મૂર્ખતા દેખાય ત્યારે મૌન પાળું છું.
નડે છે કોણ કોને કેટલું એ યક્ષ પ્રશ્નોનાં-
જવાબો ખૂટતા દેખાય ત્યારે મૌન પાળું છું.
વિષય જેનો નથી એ વિષય છંછેડવા ખાતર
સવાલો પૂછતા દેખાય ત્યારે મૌન પાળું છું.
નજાકત લાગણીની ખોરવાતી જાય છે આજે,
વલણમાં શુષ્કતા દેખાય ત્યારે મૌન પાળું છું.
નથી ભૂલી શકાતા ભૂલવા જેવા કિસ્સાઓ
સ્મરણ સહુ ખૂલતા દેખાય ત્યારે મૌન પાળું છું.
સ્વજન પણ પારકા થઇ જાય છે ટાણે,
ઘણીવેળા પ્રસંગો તૂટતા દેખાય ત્યારે મૌન પાળું છું.
ડૉ.મહેશ રાવલ