બાધા આખડી કુળદીપક રખાય,
જન્મ થતાં દીકરીનો કુટુંબ હરખાય !
આમ, સ્ત્રી થવું કયા સરળ કહેવાય ?
આમ ન કરાય, આવું ન પહેરાય,
એવી રોકટોક બાળપણ થી થાય,
આમ, સ્ત્રી થવું ક્યાં સરળ કહેવાય?
પિયરની મોહમાયા છોડી સાસરે જાય,
છતાં પારકી જણીનું લેબલ ન ભૂંસાય,
આમ, સ્ત્રી થવું ક્યાં સરળ કહેવાય?
બે કુળની આન, બાન, શાન કહેવાય,
છતાં પિતા, પતિ અને પુત્રના પ્રેમમાં પિસાય,
આમ, સ્ત્રી થવું ક્યાં સરળ કહેવાય?
નવ નવ માસ લગી ખુદ પર અનેરું વેઠાય ,
જન્મ પછી સંતાનને ઓળખ પિતાથી અપાય ,
આમ, સ્ત્રી થવું ક્યાં સરળ કહેવાય?
સંતાન કુળ ઉજાળે તો વાહ વાહ કુટુંબની થાય,
સંતાન સ્વછંદી બને તો કલંક માતાને લગાડાય,
આમ, સ્ત્રી થવું ક્યાં સરળ કહેવાય?
પુરુષ સમોવડી બને તો અભિમાની લેખાય,
ખુદ માટે જીવે તો અનેક સવાલ ઉભા થાય
આમ, સ્ત્રી થવું ક્યાં સરળ કહેવાય?
પોતાનું સર્વસ્વ ન્યોછાવર સાસરીમાં કરાય,
છતાં અંતિમ ચુંદડી તો મૈયરની ઓઢાડાય
આમ સ્ત્રી થવું ક્યાં સરળ કહેવાય?
એક જિંદગીમાં ત્રણ ત્રણ જન્મ થાય,
અનેક કષ્ટો વેઠીને, ઈશ તુલ્ય બની જાય,
આમ, સ્ત્રી થવું મહાન પણ કહેવાય