શું સ્વાદ તેં આ દાળ-વડાંમાં ભર્યો, પ્રિયે!
તારી રસોઈ પર ફરી પાગલ બન્યો, પ્રિયે!
પહેલાં કહ્યું મેં – ‘ભૂખ જરા પણ નથી’, છતાં,
તું આપતી જ રહી ને હું ખાતો ગયો, પ્રિયે!
રાખી હૃદય વિશાળ તું પીરસ્યા કરે બધું,
હું એટલે જ ત્રણ-ગણો આડો વધ્યો, પ્રિયે!
તું લોટ ગૂંથવામાં શું જાદુ કરે, બતાવ!
મહામારીમાંય શીઘ્ર હું બેઠો થયો, પ્રિયે!
જમવાનું ફિક્કું હોય તો, બબડ્યો જ હોઉં, પણ,
આજે તો એક શબ્દ સુધાં, ક્યાં કહ્યો, પ્રિયે!
“તીખાં વધુ બનાવ ને!” – એવું છતાં કહ્યું!
-એ સાંભળી, તેં ‘નાટકી ગુસ્સો’ કર્યો, પ્રિયે!
“તીખું સતત ખવાય, તો સર્જન નજીક જવાય!”
-તારા આ ‘શેર’ પર પછી ખાસ્સું હસ્યો, પ્રિયે!
મરચાં ને ડુંગળીથી સજાવેલ જોઈ ડિશ!
છોડી ‘ધીરજ’, છતાંય હું તૂટી પડ્યો, પ્રિયે!
ડૉ. ધીરજ એસ. બલદાણિયા