ઘણાં સંબંધ ગંધાશે
હવે જો લાંબું ચાલ્યું તો
રણ આ ફેસબૂક થાશે
હવે જો લાંબું ચાલ્યું તો
ન ગમશે ગીત, ફિલ્મો, પુસ્તકો ને વાનગી કોઇ
સમય આ શી રીતે જાશે ?
હવે જો લાંબું ચાલ્યું તો
કરીને નેજવું , માંડી નજર , હું માર્ગ જોઉં છું
વધારે કેમ જોવાશે
હવે જો લાંબું ચાલ્યું તો
કદી સરકારને ઠપકો, કદી વહીવટ વિષે વાંધો
રખે ધીરજ ખૂટી જાશે
હવે જો લાંબું ચાલ્યું તો
નથી જે હાથમાં કોઈના છે એવી સમસ્યા આ
આ ફાટ્યું આભ સંધાશે ?
હવે જો લાંબું ચાલ્યું તો
ખૂટ્યાં છે કોઠીએ દાણા અને ગૂંજા મહીં નાણા
ન જાણું કેમ જીવાશે
હવે જો લાંબું ચાલ્યું તો
હકારાત્મક દ્રષ્ટિકોણ :
ઘણાં સંબંધ સમજાશે
હજી જો લાંબું ચાલ્યું તો.
ઘણી ગૂંચો ઉકેલાશે
હજી જો લાંબું ચાલ્યું તો
નીકટતાનો અનુભવ કેટલો ઉત્સાહ પ્રેરક છે
પછી અંતર ન જીરવાશે
હજી જો લાંબું ચાલ્યું તો
બધાં ઘરમાં ને ઘર સહુમાં છે એની મસ્તી માણું છું
મજા ભરપૂર છલકાશે
હજી જો લાંબું ચાલ્યું તો
નહોતાં જે મને ગમતાં , હવે ગમવા એ લાગ્યાં છે
જીગરમાં પ્રેમ છલકાશે
હજી જો લાંબું ચાલ્યું તો
રહું ઘરમાં, ને ધોઉં હાથ,પ્હેરું માસ્ક , પણ કહોને
આ અંતર કેમ જળવાશે ?
હજી જો લાંબું ચાલ્યું તો
હું જાણું છું કે વહેલું મોડું જે પળે લોકડાઉન આ ખૂલે
આ હોવું પણ ખીલી જાશે
હજી જો લાંબું ચાલ્યું તો.
– તુષાર શુક્લ