કૃષ્ણની દ્વારિકાને..
સાચવીને બેઠેલું જળ છું..
હું નરસિંહના પ્રભાતિયાથી
પરિતૃપ્ત પ્રભાત છું..
વેપાર છું.. વિસ્તાર છું.. વિખ્યાત છું,
હા..હું ગુજરાત છું !
મેં સાચવ્યા છે
ડાયનાસોરના અવશેષ
ને સાચવ્યો છે..
અશોકનો શીલાલેખ..
મારી પાસે છે
ધોળાવીરાનો માનવલેખ
ને…
સોમનાથનો અસ્મિતા લેખ
હું ઉત્તરમાં સાક્ષાત અંબા માત છું
હા..હું ગુજરાત છું!
હું નર્મદનું ગાન છું
સયાજીરાવનું ઉદ્યાન છું
સિધ્ધહેમનું જ્ઞાન છું.
તાપી નામે સરિતા છું..
અણહિલવાડનો ભવ્ય ઇતિહાસ છું
હા..હું ગુજરાત છું…!
હું ખળખળ વહું છું નર્મદાઘાટે
ને
ખળભળું છું..
ચોરવાડ ના ફીણમોજાંની સંગાથે..
કચ્છનું રણ એ મારું આવરણ છે
હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું
કાળિયાઠાકરના મુગટનું ઝવેરાત છું.
હા…હું ગુજરાત છું..!
હું સાબરમતીથી ખ્યાત છું..
મોહનનો મોહપાશ છું
સરદારની મક્કમતા છું
નક્કર છું…નાજુક છું..ને નેક છું
ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું
હા.. હું ગુજરાત છું !
સેવા સખાવત અને સદભાવ છું
હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું
મુનશીના ગદ્યની મોહિની છું
મેઘાણી..પન્નાલાલની લેખિની છું..
હું ભાતીગળ મ્હોલાત છું..
હા…હું ગુજરાત છું..!!