ફરી છેદ જેવી ખતવણી થઈ ગઈ
હું છું વાંસળી,પાત્રવરણી થઈ ગઈ
આ મનની ધરાને પલાળો ના વાદળ
બધી ઇચ્છા મારી લપસણી થઈ ગઈ
પળેપળ પ્રતીક્ષાથી હાંફી હવે તો,
સમયની અણી પણ બટકણી થઈ ગઈ
હરણ પણ જુઓ રણમાં થંભી ગયાં છે
તરસ એમની લો સમજણી થઈ ગઈ
હવે કંઇ ન માંગો છે ખાલી આ ઝોળી
સિતારાથી એવી વિનવણી થઈ ગઈ
થયો સ્પર્શ રેશમ ભર્યો ચંદ્રનો જયાં
અપેક્ષાની પૂનમ ઉગમણી થઈ ગઈ
~ પૂર્ણિમા ભટ્ટ