ભીતર ના ખાલીપાથી ખખડેલી છું,
હું જીર્ણ મકાન ની ડેલી છું.
રોજ સતાવે વિચાર મને કોણ સાચવશે ?,
હું તો પોતાના થી જ તરછોડાયેલી છું…
મળે જો લાગણીનો ઢાળ તો વહી જાઉં છું,
જાણે સાગર ને મળવા આતુર નદી છું…
નથી શોધી શકી હજી હું ખુદ ને,
દુનિયા ની ભીડ માં ખોવાયેલી છું…
ન શોધો મને અટપટા જીવનપથ પર,
પ્રેમપથ પર રહેલી યાદો ની કેડી છું…
પારુલ ઠક્કર “યાદે”