એકાદ સ્વપ્ન આંખને અડ્કી ગયા પછી પણ
હું જીવતો રહ્યો છું સળગી ગયા પછી પણ
કોરો હતો હું પલળ્યો.. પાછો થયો છું કોરો
ક્યાં ફેર કૈં પડ્યો છે સુધરી ગયા પછી પણ ?
એકાદ પાંદડીએ અકબંધ તો નથીને …?
આવી રહ્યાં છે જોવા મસળી ગયા પછી પણ
જાકારો આપવાની જગ્યા જ ક્યાં રહી છે
ભટકી રહ્યા છે રાઘવ શબરી ગયા પછી પણ
મુર્ખો છે સાવ મુર્ખો “નારાજ” મૂળમાંથી
બોલી રહ્યો છે સત્યો સમજી ગયા પછી પણ
~ ચંદ્રેશ મકવાણા “નારાજ”