હું તને ચાહું છું,
અને ચાહતો રહીશ,
તારા હાથ પરની કરચલી ચહેરા પર આવી જાય,
તો ય હું તને ચાહતો રહીશ,
તારા સૌંદર્ય નાં સીમા ચિન્હ રૂપ
શોભતા કાળા તલ સમો આખો ચહેરો શ્યામ થઈ જાય,
તો ય હું તને ચાહતો રહીશ,
બહુ દૂરનું જોઈ શકતી તારી નજર
મને સાવ નજીકથી ય ઓળખવાનો ઇનકાર કરી દે,
તો ય હું તને ચાહતો રહીશ,
તારું ખિલખિલાટ ભર્યું હાસ્ય
જ્યારે બોખાં મોં માં સમાવાની ના કહી દે,
તો ય હું તને ચાહતો રહીશ,
જે હરણી જેવી ચાલ પર તું મુસ્તાક છે
એ પગ જ્યારે પથારી પરથી ઉઠવાની મનાઈ કરી દે,
તો ય હું તને ચાહતો રહીશ,
કારણકે કરચલી તારા ચહેરા પર આવી જશે,
મારાં હૃદય પર નહીં,
મને વિશ્વાસ છે કે એક દી તું ય મને સાચા દિલથી યાદ કરીશ,
કારણકે હું તને એહસાસ થી ચાહું છું,
શ્વાસ રહે કે ન રહે,
ચાહત નો એહસાસ કાયમ રહેશે….
દિપેશ શાહ