આ ઢીંગલી જેવી નાજુક છોકરીઓને જોઈ,
મને મારા સુવર્ણ વર્ષોની યાદ આવી.
હું પણ ત્યારે પાણી ભરવા પનઘટ જતી,
હું પણ ક્યારેક હતી પનિહારી.
રંગબિરંગી સાડલા, ને ખનખન કરતા ચુડલા,
ઓઢણીમાં કોડીઓ લટકતી,
અને તડકામાં આભલા ચમકતા.
ફક્ત પનઘટ પર મળવા, અમે શૃંગાર કરતા.
સખી સહેલીઓ સાથે ખૂબ ગપાટા ગપસપ થતી,
ને હવામાં અમારી હંસી, અમારી ગૂંજ લહેરાતી.
ઘર કરતા વધારે પનઘટ ગમતું,
અને કોઈ ન કોઈ બોલાવા આવતું.
ચાલ પાણી ભરવા, ચાલ કપડાં ધોવા,
ને બા કહેતા, “આ તો બધા બહાના છે તમારા.
ચાર ચોટલા થશે ભેગા અને વાડશે ઓટલા.
એ સમયમાં તો, ઘરમાં કામ થાય કેટલા!”
એ મોજ મસ્તીના દિવસો વીતી ગયા,
અને ભૂતકાળની મીઠી યાદો મુકતા ગયા.
આજે મે બા ની પદવી લઈ લીધી,
અને હવે મારી દીકરી બની પનિહારી.
શમીમ મર્ચન્ટ