સાચું ખોટું હસતાં રડતાં
જે કૈં કહું તે માને
હેતભર્યા હસ્તાક્ષર મારા
શ્વાસને પાને પાને
હું વંદન કરું છું માને
નાનાં હતાં ત્યારે રડતાં રડતાં
માની પાસે જાતાં
હાથ ફેરવે માથે ત્યારે
આંસુ થંભી જાતાં
મોટું દુખ પણ માની આગળ
નાનકડું થઇ જાતું
નાનું સુખ પણ માની આગળ
સરવર થઇ છલકતું
આમ એકલી તોયે માતા
કામ કેટલાં કરતી
કદી કહ્યું નહીં થેંક્સ કે સોરી
તોયે હેતથી હસતી
એ જ રસોયણ , એ તેડાગર
એ જ બની જાય આયા
થાકે એની કાયા ત્યારે
ફરતી એની છાયા
શંકા નહીં મા ચિંતા કરતી
જ્યારે કરે સવાલ
શબ્દથી અદકું આંખ બોલતી
છલકી રહેતું વ્હાલ
વાટ નીરખતી, માનતા માનતી
મનમાં મંત્રો જપતી
સાજા નરવા જોઇને માતા
દેવને દીવો કરતી
સહુનું ગમતું સદાય કરતી
સાચવે સહુનું મન
મનનું ગમતું કરવાનું
એને નહીં થાતું હોય મન ?
મા પણ થાકે, મા કંટાળે,
મા પણ માંદી થાય
ત્યારે જે ના સમજાયું તે
આજ હવે સમજાય
મોટા થઇને પપ્પા જેવા
થાવાનું મન થાતું
મમ્મી જેવાં થઇ શકાય નહીં
આજ હવે સમજાતું
નામ અને સરનામું થઇને
પપ્પા સાથમાં રહેતાં
મમ્મીની ઓળખ લઇ સાથે
વ્હેણ સમયનાં વ્હેતાં .
નાનપણે મા યાદ ન આવી ,
પછી કરી ના યાદ,
સાવ નકામું યાદ રાખતાં
માતા થઇ ગઇ બાદ
યાદ રહી નહીં, યાદ રાખી નહીં,
પછી યાદ ના આવી
આજ હવે સમજાય છે આપણે
માને કેવી ભૂલાવી !
ઇશ્વર સઘળે પ્હોંચી શક્યો નહીં
એથી બનાવી મા
મા ઇશ્વરથી અદકી થઇ ગઇ
કદી ન ભૂલશો આ.
એ માતાની વંદના કેરો
અવસર આજ અમૂલ
માના ચરણે અર્પણ કરીએ
આંસુ કેરાં ફૂલ …
– તુષાર શુક્લ