ફાગણ ફાગે ઓરી આવી,
આ હોળી શું શું લાવી?
ફાગણ રાગે ચોરી આવી,
આ હોળી શું શું લાવી?
સૂતેલો કેસૂડો મૂલાવી,
નવ કૂંપળ ને ઝૂલાવી.
ફાગણ ફૂલે ફોરી આવી,
આ હોળી શું શું લાવી?
ઘેરૈયા ની ટોળી આવી,
માંગણ થઈ ને ફોજે આવી.
ફાગણ ગાજે કોરી આવી,
આ હોળી શું શું લાવી?
એતો વનવગડે લ્હેરાતી,
આંબા ડાળે મ્હેકાતી.
ફાગણ આશે ગોરી આવી, આ હોળી શું શું લાવી?
હોળી પૂજને બૂરું બાળી
સંસ્કારે વાતો ઢાળી.
કોયલ ટહુકે મ્હોરી આવી,
આ હોળી શું શું લાવી?
કાનો, રાધા સંગત ફાવી,
બંસી રંગત લોભાવી.
ફાગણ રાસે દોરી આવી,
આ હોળી શું શું લાવી ?
કોકિલા રાજગોર