રઘવાયી થઈ જીવનનાં, સૌ ઘાટ ઘડવા બેઠી,
શ્વાસોના તાણેવાણે, હું જાત વણવા બેઠી.
જ્યારે કસોટી મારા, જીવનમાં આવતી એ,
રઘવાટમાં ફરીથી, સૌ પાઠ ભણવા બેઠી.
વાવ્યા હતાં જે પ્રેમે, હૂંફાળા, સૌ સંબંધો,
સિંચ્યા જે લાગણીથી, એ પાક લણવા બેઠી.
રઘવાટમાં હંમેશા, મેં જાત મારી ભૂલી,
મળતા રહ્યાં સ્વજનનાં, ક્યાં ઘાવ ગણવા બેઠી?
રઘવાટમાં ન દીધાં, કૈંક કેટલાં લખ્યા મેં,
આપી શકી ના તુજને, પત્રો એ ગણવા બેઠી.
સ્વજનો વચ્ચે વસેલી, તોયે સદા પરાઈ,
થઈને રહીશ તારી, આશા ને જણવા બેઠી.
અંજના ગાંધી “મૌનુ”