બસ એમ જ ટહેલવા ગ્યો,
પાંદડીને લઇ ઝાકળ રડ્યું,
સાથે હું પણ!
કળીમાંથી સાદ આવ્યો..
ઘણી ખમ્મા..
ઝાડ નીચે નિરાંતે બેઠો,
વિના પાનખર પાન પડ્યું,
સાથે હું પણ!
મૂળમાંથી અવાજ આવ્યો..
ઘણી ખમ્મા..
ઘેર આવી શ્વાસ લીધો,
તોરણનું એક મોતી દડયું,
સાથે હું પણ!
બારસાખેથી ઝણકાર આવ્યો..
ઘણી ખમ્મા..
ઘટના કોઈ સમજાઈ નહિ..
પાણિયારે ગ્લાસ મોઢે માંડ્યો
બુઝારુ હાથેથી છટક્યું,
સાથે હું પણ!
કાઠલામાંથી રવ આવ્યો..
ઘણી ખમ્મા..
પથારીમાં આડો પડ્યો,
માના હારમાંથી ફુલ ખર્યું,
સાથે હું… એને નિરખતો રહ્યો..
માથે હાથ ફર્યો..દીકરા..
ઘણી ખમ્મા..ઘણી ખમ્મા..