આંગણે રૂડો આવકાર હોય
ચૂલે લાપસીના આંધણ હોય
સમ આપી હેતે જમણવાર હોય
આવો ઘરનો વિકાસ હોય…
માણસ માણસ વચ્ચે હેત હોય
રામ રામના રોજ પડકારા હોય
પડે સાંજ ને પાદરે ડાયરા હોય
આવો ગામનો વિકાસ હોય….
મનમાં હરદમ સમૃદ્ધ વિચાર હોય
વિચાર કાજે સમયસર અમલ હોય
ને એજ કામે અનેરી નિષ્ઠા હોય
આવો માણસનો વિકાસ હોય….
કોઇના દર્દે દિલ દ્રવી ઉઠતું હોય
મળી માણસને હૈયું છલકતું હોય
મશીનો વચ્ચે રહી હૈયું ધબકતુ હોય
આવો જ “નીલ ” જીવતરનો વિકાસ હોય….
નિલેશ બગથરિયા
“નીલ “