એ ફરે છે ક્યાંક બખ્તર – ઢાલ સાથે,
હું અહીં નાજુક સ્થિતિના ખ્યાલ સાથે.
સામનો કરવો પડે છે સ્તબ્ધતાનો,
જ્યારે-જ્યારે જોઉં એને વ્હાલ સાથે.
ખાય છે આ પગ લથડિયાં કેમ આજે?
આમ તો નીકળ્યો છું મક્કમ ચાલ સાથે.
એ મને નીરખી રહ્યાં છે એમ જાણે,
ચોર પકડાયો છે મુદ્દામાલ સાથે.
ક્યાં સુધી આ સાવ વાંકા આંગણામાં,
આ રીતે બસ નાચવાનું તાલ સાથે?
– બાબુલાલ ચાવડા ‘આતુર’