અહો અહર્નિશ અસલ ઉઠી અહાલેક અલખ નિરંજા,
ભુવનત્રંય રુંવું રુંવું પ્રસરંતી ભગવા રંગી સુગંધા.
અરધ-પરધ કે અલપ ઝલપ નહીં – છે એવી ઉતકંઠા,
ત્રેવડ હો તો ભલે છાતીએ દરદ દિયે નવરંગા.
મનસમદરમાં એ જ વિચારે અઢળક ઉઠે તરંગા,
લખ્યું આયખું જેણે એણે લખ્યું નહીં લિખિતંગા.
દરશન થાઓ એવા ગુણીજન કહીએ ચેતનવંતા,
અસ્ત, ઉદય, સર્જન વ વિસર્જન, નહીં આદી નહીં અંતા.
અવાવરૂ કંટક નવ કરજો નવ ઝાડી ઝંખરિયાં,
દિનમાં સૂર્યમુખી શા કરજો ; રાતે રજનીગંધા.