તું સાગર છે
સમુદ્ર, જલનિધિ , રત્નાકર…..
એક પછી એક નામ સ્મરું છું:
તમામ પુરુષવાચક
તારું વિશાલ વક્ષ:સ્થલ અવશાત આમંત્રે છે મને
લહેરાતી અનંત રોમાવલિઓ
લાગણીઓના ઝલમલ પટ પર ઝુલાવે છે મારા અસ્તિત્વને,
મારી જાણ બહાર હું
તારી સાવ સન્મુખ.
ક્યારે….
કઈ પળે….
ન જાને….
ઊછળી ઊછળીને
વળ ખાઈ ખાઈને
તારા ધસમસતાં મોજાં પખાળે છે મારાં ચરણને.
ક્ષણે ક્ષણે વધતો જતો વેગ
વિચલિત કરી દે છે મનને
પગ તળેની રેતી સરકતી જાય છે
અવશ બનીને ધકેલાતી જાઉં છું
ખળ ખળ વહેતાં જળની સાથે સાથે…..
જાણું છું, તું સાગર છે.
પુરુષ છે.
આવેગ પૂર્વક તાણી જાય છે
તે પછી કિનારે ફેંક્વા જ.
ને છતાં….