વ્હેલી
સવારે
પપ્પા ઉઠાડે
ને કહે-
15 ઑગસ્ટ છે
ચાલ પ્રભાતફેરીમાં..
આંખો ચોળતા
શિક્ષક પિતા સાથે
હું પણ
કાદવ ખૂંદતા
ગામના રસ્તે
વરસાદી માહોલે
જય હિન્દ
જય ભારત
કરતાં
નીકળી પડતો
ને કાદવ ખૂંદતા
ચપ્પલની
પટ્ટી ટૂટતા
ઉઘાડા પગે
ચાલતા
ઝાંખા પ્રકાશે
ગામ વટાવી
શાળા ઝાંપે
દેશદાઝ
મને અને પપ્પાને
ભેટી પડતી
આજે પપ્પા નથી
હા! દેશદાઝ ખરી
પણ…
વિચારું છું
ઝળહળતા
પ્રકાશે
બાળપણ જેવી
કદાચ નહીં…
વ્યસ્તતા મૂઈ
દેશદાઝ
ખાઇ ગઇ…
ને એક દી’ પૂરતી
રાખી ગઇ…
~નિલેશ મથુરદાસ બગથરિયા”નીલ “