“કોણ લેશે મારી સંભાળ, મા તારો એકલો રહી ગયો હું બાળ”
સવાર પડતી ‘ને તું પ્રેમ થી જગાડતી, પ્રેમ થી જગાડી મારો દિવસ સુધારાતી,
મા તારા ઉપકાર અપાર, મા તારો એકલો રહી ગયો હું બાળ,
બાલમંદિરમાં મને મેલવા તું આવતી, મેલવા તું આવતી ને એકડો ઘૂંટાવતી,
મા તું છે સૌથી દાતાર, મા તારો એકલો રહી ગયો હું બાળ,
કક્કો સમજાવી ને તું શબ્દો શીખવાડતી, શબ્દો શીખવાડી મને ભવિષ્ય બતાવતી,
મા તારી વાતો માં સાર, મા તારો એકલો રહી ગયો હું બાળ,
સાંજ પડતી ને માં તું ભોજન બનાવતી, ભોજન બનાવી તારા હાથે જમાડતી,
મા તારી મમતા અપાર, મા તારો એકલો રહી ગયો હું બાળ,
રાત્રી પડતી ‘ને મીઠું હાલરડું તું ગાતી, હાલરડું ગાઈ ને મને પ્રેમ થી સુવડાવતી,
આજે તારો બાળક લાચાર, મા તારો એકલો રહી ગયો હું બાળ,
શિક્ષક બની ને મા તું ગણતર શીખવાડતી, ડૉક્ટર બની ને માં તું ધ્યાન મારુ રાખતી,
મા તારા સ્વરૂપો અપાર મા તારો એકલો રહી ગયો હું બાળ,
કોણ લેશે મારી સંભાળ,મા તારો એકલો રહી ગયો હું બાળ………..
“વરસે જો ક્યાંક વાદળી તો પુછજો એને, કે તે જોઈ છે મારી મા મને?,
તે ઘણા સમય થી મારી સાથે અબોલા કરી ને દુર ચાલી ગઈ છે.”