મોઢે બુકાની બાંધેલો
એ માણસ
અવારનવાર
ઇલેકટ્રીકની ભઠ્ઠીનું
ઢાંકણું ખોલી
કઢાઈમાં ધાણીની જેમ
હલાવે છે પપ્પાના શરીરને
હમણાં છેલ્લે હલાવ્યું
ત્યારે સળગતી, લાવા જેવી
જ્વાળાઓની વચમાં દેખાઈ હતી
પપ્પાની કરોડરજ્જુ
ને એની સાથે હજુ ય
જોડાયેલી ખોપરી
બહાર આવી વીંટળાઈ ગઈ’તી સજ્જડ
એમના બળતા શરીરની વાસ
સ્મશાનથી પાછી આવી
માથું ઘસી નહાઈ
હવે શરીર મહેકે છે
વાળમાં ચોંટેલી સ્મશાનની રાખ
ગટરમાં વહી ગઈ હશે
સુંવાળા, હજુ ય નીતરતા વાળને
સુગંધિત, સ્વચ્છ વસ્ત્રોમાં સજ્જ મને
લાકડાના ખાટલા પર સુવાડી
હવે દાહ દેવાય છે
મોં પર બુકાની બાંધેલા
આ જલ્લાદને હું ઓળખતી નથી
નથી ઓળખતી આ આગને
એમાં એ આમથી તેમ ફેરવે તો છે મારું શરીર
પણ પપ્પાના શરીરની જેમ
આ શરીર ભસ્મ થતું જ નથી!
– પ્રતિષ્ઠા પંડ્યા