હું મૌન છું…
પણ એમ ન સમજતા કે…
તલબ નથી મળવાની મને,
ઓળખ નથી તમારી મને,
દીવાનગી નથી તમારી મને,
લાગણી નથી તમારી મને,
મધુસ્વપનો નથી તમારા મને…
પણ કહેતા ડરું છું કારણકે…
જે સપનાઓ બનતા જોયા, તેને બીખરતા પણ જોયા છે,
જે નયનો માં મધુસ્વપ્ન છે, આસુ પણ ત્યાં જ પળે છે.
જે ચમકે છે પ્રકાશ ઊર્મિઓનો, તે નયનને આંજે પણ છે,
જે શબ્દોથી છે સુખદ તૃપ્તિ, તે તૃષ્ણામાં જલાવે પણ છે.
જે શાશ્વતતાની પરમ ખોજમાં અહીં ક્ષણભંગુરતા પણ મળે છે,
જે ક્ષિતિજે સુકોમળ પ્રભાત છે સંધ્યાની લાલિમા પણ ત્યાં જ ખીલે છે.
જે એક મધુર બુંદની હ્રદય તૃષ્ણા માટે અહીં ખારો સાગર પણ મળે છે,
જે છે પોષતી શરદ, હેમંત, શિશિર અને વસંત તો એ જ અહીં ડંખતો પાનખર પણ લાવે છે.
જે અનુગૃહિતતા છે આ સમયે મનમાં ક્યારેક અહંકાર પણ ત્યાં જ આવીને રહે છે,
જે સમય સુખરૂપ શૃંગાર લાવે છે બૂઢાપાની રેખાઓ પણ તે જ દેખાડે છે.
જે ફૂલોની સુવાસ છે હૃદય સ્પર્શી આત્મસ્પર્શી શૂલ પણ ત્યાં જ મળે છે,
આથી વિચાર્યું છે શાયદ હવે તો આ મૌન જ છે ઈર્શાદ, જેની પ્રીતિકર પ્રતિધ્વનિ પણ છે!