લાવ કંઈ લખું કવિતા જેવું
લીધા કાગળ ને કલમ હાથ
પરંતુ–
સાલ્લું… કંઈ સૂઝે નહીં
શું લખું, શેના વિશે લખું?
આ નફ્ફટ શબ્દો માખણિયા બની સરકી ગયા દૂ…. ર.. દૂર… દૂર.
બહુ લમણાપચ્ચી કરી મનાવવા પરંતુ ધૂર્ત છેતરી ગયા
હમણાં આવું છું કહી!
હું રાહ જોતો રહ્યો
ટ્રેન ચૂકેલા મુસાફર જેમ!
હું ધારતો રહ્યો
ઉધારતો રહ્યો
કરગરતો રહ્યો
મનાવતો રહ્યો
પરંતુ એ વંઠેલ અને વટલેલ
એમ કંઈ માને!?
આખરે હારીથાકીને મૂકી દીધી કલમ હેઠી
ને
કોરો કાગળ ઓશીકા નીચે.
સવારે ઊઠ્યો તો
કાગળના સળમાં
સચવાઈને
પડી હતી એક તાજી કવિતા.
— રસિક દવે.