પાપા પગલા ભરતી આવી શિયાળાની ઠંડક,
ને સાથે યાદ આવી દાદીના ગામડાની રોનક.
દાદા આંગણે તાપણી કરી બધાને ભેગા કરતાં,
સૌ હાથ શેકતાં ને દાદીની વાર્તાઓનો આંનદ લેતાં.
રીંગણાનો ઓળો, બાજરાનો રોટલો ને લસણ લીલુંછમ,
યાદ આવતા આજે પણ દાઢે સ્વાદ જાગે તમ-તમ.
દાદીના હાથનું ગૂંથેલુ સ્વેટર હૂંફ સાથે પ્રેમાળ લાગે છે
એવું કે જાણે એમનો આશિર્વાદ પહેરી રાખ્યો છે.
છીંક આવતા, દાદી દેતા ઉકાળો: પીજા છાનો માનો
ભલે ન ગમતો, પણ ઉત્તમ હતો દેસી નુસખો એમનો
દાદી સામે ટકે, એવી ક્યાં ઠંડીની મજાલ?
એમના નુસખા બન્યા હર બીમારીની ઢાલ.
શિયાળાની ઠંડક પડતાં જ ગામડે ભાગી જાવ છું,
મુજ જેવું સુખ મારા બાળક માટે પણ ચાહું છું.