સલામ મારા દેશને – મારા દેશની માટીને,
મારા ભેરુઓને
જેમણે મારા શૈશવના ખૂણેખૂણાને આનંદથી કલ્લોલિત કર્યો.
સલામ પેલા ગુલાબના ફૂલને
જેણે મારા આકાશમાં મુલાયમ સ્વપ્નો ગૂંથ્યાં.
સલામ પેલી દર્દભરી કોયલને
જેણે મારા હૃદયને આંબાનું વૃક્ષ બનાવ્યું.
સલામ પેલી કામધેનુને જેણે પોતાની અમીધારાથી
મારા શરીરના કોષોને ધબકતા રાખ્યા.
સલામ મારી માને જેની આંખોએ મને ક્યારેય દૂર ન કર્યો.
અને સલામ શબ્દોને
જેમણે મારા હોઠને સતત ગૂંજતા રાખ્યા.
– વિપિન પરીખ