માં’
તું તો ગઈ
મોટા ગામતરે,
લોકો કહે છે કે
ત્યાં જાય એ પાછા ના આવે.
પરંતુ ‘માં’ મને એ કદી સાચુ લાગ્યું નથી હો!
હું તને મારી આસપાસ જ અદ્રશ્ય ફરતી અનુભવુ છું આજેય.
તું લગાવતીને તે સુગંધી પાવડરના ડબ્બાને મેં
સંધરી રાખ્યો છે મારા ગોબરા ફાટેલા મારા જીવતરના દફ્તરમાં.
મને બહુ તારી યાદ આવે છે અને મારી નીમાણી જીંદગી મને બહુ સતાવે છે ત્યારે
હું
એ ડબ્બાને ધ્રૂજતા હાથે
અને કંપતા કાળજે
હળવેકથી ખોલું છું
પછી
એને સુંઘું છું
ને
મારા દેહમાં ફરી વળે છે
તારો અદીઠ હેતાળવો સ્પર્શ.
અને-
મને હળવોપડે છે
ફરી ફરી
જીવવાનો બળ આપતો ધબ્બો.
– રસિક દવે.