આથમણી કોર મોરનું પીંછું ખર્યું હતું
આંખોમાં એક દ્રશ્ય અમે ચીતર્યું હતું
એની અનોખી ચાલમાં નર્તન કશું હતું
આ દ્રશ્ય જોઇ આભ નીચે ઉતર્યું હતું
ક્ષિતિજ-ધરા મિલનની હતી મુગ્ધ એક પળ,
થઇ સ્તબ્ધ,કોણે છત્ર ગગનનું ધર્યું હતું
હું પણ કશું કહું નહીં ,તું પણ કહે નહીં
આ મૌનથી પ્રણયનું સુમન પાંગર્યુ હતું
જયાં સ્પર્શ ટેરવેથી થયો ઉષ્ણતા સભર
ધબકાર વચ્ચે કોણ અહી થરથર્યું હતું
થોડાંક તેં દીધેલ એ સ્વપ્નો સિવાય તો
અસબાબમાં મેં બીજુ નવું ક્યાં ભર્યું હતું?
શ્વાસોમાં ઓતપ્રોત થતું જાય છે સ્મરણ,
લોહી બનીને ક્યાંક ઝરણ નીતર્યું હતું
પૂર્ણિમા ભટ્ટ “તૃષા”