વાંસળીના નાદે રાધાએ ચાહ્યો પેલા કૃષ્ણને,
મીઠા સૂર રેલાતાં મદમાતી રાધાનું હૈયું હરખાય.
કરતાલના તાલે મીરાંએ પામ્યો પેલા ગિરધરને,
સુણી નાદ મંદિરીયે ભક્તિથી મીરાંની ડોલતી કાયા.
મહીની મટુકીમાં ગોપીઓએ પૂર્યો પેલા માધવને,
ધારાએ ધારાએ ભલી ગોપીઓ ભૂલી શાન ને ભાન.
દાંડિયાના રણકારે ગોવાળોએ ખેલ્યો પેલા કાનુડાને,
રાસના ટહુકે ને તાલે ઘેલા ગોવાળો રુડા થનગનતા.
માખણને મહીથી યશોદાએ ઉછેર્યો પેલા નંદલાલને,
મુખની માટીમાં હરખાતી યશોદાએ નિહાળ્યું બ્રહ્માંડ.
પ્રસવની પીડાએ દેવકીએ જણ્યો વ્હાલા બાલકૃષ્ણને,
સળિયા પછીતે દુઃખી મા દેવકીનું માતૃત્વ ભરે હિબકા.
પૂરવાને ચીર દ્રૌપદીએ સંભાર્યો પેલા સખા શ્યામને,
ઉતાર્યું ઋણ પ્રિય સખી દ્રૌપદીનું કર્યો પૂર્ણ હિસાબ.
ઝાકઝમાળ મંદિરમાં ભક્તોએ પૂજ્યો દ્વારકાધીશને,
માખણ ને મીસરીનો ભક્તોએ આરોગ્યો મીઠો પ્રસાદ.