કૃષ્ણ સખા સાંભરતાં સૈયર ભરનીંદરથી જાગી,
આંખ પછી ના આંખ રહી, બસ વાંસલડી થઈ વાગી.
અજવાળું કે અંધારું હો દેખું એક જ સરખું,
ઈચ્છાઓની કરી ગાંસડી દરિયે ફેંકી હરખું.
પાંપણ પણ ના ઝબકે મારી, એવી લગની લાગી,
આંખ પછી ના આંખ રહી, બસ વાંસલડી થઈ વાગી.
પડછાયામાં મોરપીંછ ને મોરપીંછમાં ‘ઝરમર’,
સત્ય કહું કે ભ્રમણા આજે સમજાવી દે ગિરધર !
કૃપા કરૂણા હું શું જાણું? થઈ ગઈ હું અનુરાગી,
આંખ પછી ના આંખ રહી, બસ વાંસલડી થઈ વાગી.
હળવી ફૂંકે વાગી હું તો સાત સૂરોમાં વિહરી,
મોરપીંછનું સરનામું દઈ દશે દિશાએ વિચરી.
પીડ કૃષ્ણની સાંભરતાં હું પડી, આથડી, ભાગી,
આંખ પછી ના આંખ રહી, બસ વાંસલડી થઈ વાગી…..
~ વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’