જનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી
સૌનો ન્યારો ન્યારો રાહ
જનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી
એક રે માતાના દોનું દોનું બેટડાં
એક રે માતાના દોનું દોનું બેટડાં, એનો ન્યારો ન્યારો રાહ
એક રે રાજદરબારે મહાલતો, બીજો ભારા વેચવા જાય
જનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી
એક રે વેલાના દોનું ફૂલડાં
એક રે વેલાના દોનું ફૂલડાં, એનો ન્યારો ન્યારો રાહ
એક રે અડસઠ તીરથ કરે, બીજું વાદીડાંને હાથ
જનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી
એક રે ગાયના દોનું વાછડાં
એક રે ગાયના દોનું વાછડાં, એનો ન્યારો ન્યારો રાહ
એક રે શંકર કેરો પોઠીયો, બીજો ઘાંચી કેરો બેલ
જનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી
એક રે માટી કેરા દોનું ઘડુલાં
એક રે માટી કેરા દોનું ઘડુલાં, એનો ન્યારો ન્યારો રાહ
એક રે જળ જમુનાના ભરે, બીજો શમસાને જાય
જનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી
ગુરુને પ્રતાપે મીરાબાઈ બોલિયા, આ તો કસોટી કેરા ખેલ
રાગ ને મમતા મેલજો, તો રાણા ઉતરશો ભવ પાર
જનમનો સંગાથી કુંભા રાણા કોઈ નથી
~ મીરાંબાઈ