હરિકીર્તનની હેલી રે મનવા!
હરિકીર્તનની હેલી
ધ્યાનભજનની અરસપરસમાં જાગી તાલાવેલી
ધામધૂમ નર્તન-અર્ચનની સતત ધૂન મચેલી:
રે મનવા!
હરિકીર્તનની હેલી
મારા જીવનના ઉપવનમાં વિધવિધ પુષ્પિત વેલી
મારે મન તો હરિ છે ચંપો, હરિનું નામ ચમેલી:
રે મનવા!
હરિકીર્તનની હેલી
નયણાંમાંથી અગણિત ધારા નભમાં જઈ વરસેલી
કેવી અકલ અલૌકિક લીલા! કોઈએ નથી ઉકેલી:
રે મનવા!
હરિકીર્તનની હેલી
– વેણીભાઇ પુરોહિત