તારે ખાતર જેણે કાલે બે ટકની રોટી ટાળી છે,
પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
તારા ભણતર માટે જેણે ઘર ઘરની ડેલી વાળી છે,
પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
તારા હાસ્યનાં ફૂલોમાં આંસુની ગંગા ખાળી છે,
પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
તારી આંખે સપનાં દેવા રાતો જાગી જેણે ગાળી છે,
પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
રોશન કરવા તારું ઘર ઝુંપડી ખુદની જેણે બાળી છે,
પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
તારા સુખ કાજે જેણે હાથે દુખની રેખા પાળી છે,
પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
આજે પણ તારા સ્નેહ થકી નસ નસ વાસંતી ડાળી છે,
પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
હસતા મોઢે જેણે વૃધ્ધાશ્રમ તણી કેડી ભાળી છે,
પુછ એને જઈને કે શું આજે તારે ઘર દિવાળી છે?
શૈલેષ પંડ્યા
“નિશેષ”