એમાં શું ?
અમે પ્રજાના સેવક, પગાર વધારી લઈએ એમાં શું ?
થોડીક અમારી સુખ સમૃદ્ધિ,,સજાવી લઈએ એમાં શું ?
શાને કકળાટ કરો છો તમે,અમે તમારા સેવક છીએ,
જરીક બાગ -બંગલા અમે, બનાવી લઈએ એમાં શું ?
તમારા માટે ખુલ્લી છે ,સસ્તા અનાજની ખાલી દુકાન,
તમે પ્રજા;અમે રાજા, સત્તાને વટાવી લઈએ એમાં શું ?
જેમણે સાચી સેવા કરી દેશની, એમને ઓળખો છો ?
બાપુની સાદગીને આજે , ભુલાવી લઈએ એમાં શું ?
એ તો સાબરમતીના સંત હતા ,ઢીલી પોતડી વાળા,
સજ્જ-ધજ્જ થઈ , મેક -અપ કરાવી લઈએ એમાં શું ?
આવું ચાલતું રહેશે સદાકાળ ,તમે શું કરી શકશો ?
અમારી આસપાસ ,લક્ષ્મીને વસાવી લઈએ એમાં શું ?
રાજ રજવાડાઓએ ન્હોતા કર્યા આવા જલસા ,
દેશની થોડીક મિલ્કત દબાવી લઈએ એમાં શું ?
*
-કૃષ્ણકાંત ભાટિયા ‘કાન્ત ‘