ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મોહબ્બત માં,
ને નવ્વાણું ટકા બાકીના ખર્ચી નાખ હિંમતમાં.
મુકામ એવો પણ આવે છે કોઇ વેળા મોહબ્બત માં,
ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં કે સ્વાગતમાં.
નહીં એ કામ લાગે હો હજાર ઊભરા મોહબ્બત માં,
અણીના ટાંકણે હંમેશા ઓટ આવે છે હિંમતમાં.
અહીં બીજે કશે પણ ધ્યાન દેવાની મનાઇ છે,
સળંગ રસ્તો અગર જોયો તો એ જોયો અદાવતમાં.
અહીં બે ત્રણની વચ્ચે પણ ખબર કોઇ નથી લેતું,
હજારો હાજરીમાં શું દશા થાશે કયામતમાં.
જરા થોડું વિચારે કે તરત એમા ઉણપ નીકળે,
અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં.
જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે,
શરૂમાં શોખ હો, આગળ જતા પલટાય આદતમાં.
કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના,
હો જાણે એમણે વરસો વિતાવ્યા તારી સોબતમાં.
પછી એના પ્રવાહે આખું સાધારણ જીવન વીતે,
મહત્વના બનાવો હોય છે – બે ચાર કિસ્મતમાં.
પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો,
જરા થોડો સમય વીતાવો અમ જેવાની સોબતમાં.
‘મરીઝ’ આ એક અનોખી વાત સાચા પ્રેમમાં જોઇ,
કરો જુઠ્ઠી શિકાયત તો મજા આવે શિકાયતમાં.
–
– અબ્બાસ વાસી ‘ મરીઝ “