અગાઉં હતો હાલ એવો રહ્યો ક્યાં?
ને, ચ્હેરે ય ગુલાલ એવો રહ્યો ક્યાં?
સતત છે સ્મરણ આપનું તો અમોને,
આ ચ્હેરો’ ય ખુશહાલ એવો રહ્યો ક્યાં?
થપાટો આ ચ્હેરે જીવનભર પડી છે,
મુલાયમ હતો ગાલ એવો રહ્યો ક્યા?
સગા સ્વાર્થના છે અહીંયા હવે તો,
જીવનભર મળે વ્હાલ એવો રહ્યો ક્યાં?
સહન એ કરું એવી આદત થઈ ગઇ છે,
દુઃખોનો કશો ખ્યાલ એવો રહ્યો ક્યા?
~ હિંમતસિંહ ઝાલા