અપેક્ષા રાખવી ના ખાસ એવી વાત નો’તી થઈ.
બધા નિર્દય હશે અહેસાસ એવી વાત નો’તી થઈ.
નહીં તો ટેવ પાડી લેત સૌ અંધારની કિન્તુ;
ઉછીના હોય છે અજવાસ એવી વાત નો’તી થઈ.
ફક્ત એ કારણે ઓળખ બની અળખામણી એની;
હશે કાંટા મહી સુવાસ એવી વાત નો’તી થઈ.
હકીકત એજ છે કે હું ફકીરી હાલમાં જીવ્યો;
જરૂરી હોય છે લીબાસ એવી વાત નો’તી થઈ.
ફનાગીરી સ્વિકારી’તી ફકત મેં સ્મિત જોઈને;
‘અગન’ હૈયું હશે ઉદાસ એવી વાત નો’તી થઈ.
-‘અગન’ રાજ્યગુરુ