કોઈ ને ગમવું ના ગમવું , એ નસીબ ની વાત છે,
પણ કોઈ ની આંખ માં ખટકવું અલગ વાત છે.
વસ્ત્રો કે અલંકારો થી કયાં નિખરે છે વ્યક્તિત્વ ?
ભીડમાં પણ સાવ અલગ દેખાવું , અલગ વાત છે.
જિંદગી દાવ પર લગાવી ને જીત્યા હોઈએ જંગ,
પણ કોઈની ખુશી માટે હારી જવુ, અલગ વાત છે.
સપના જેમ આવીને ઉડીજતા હોય છે કેટલાય !
કોઈના દિલમાં સદા ધડકતા રહેવું ,અલગ વાત છે.
પ્રણયમાં સફળતા કે નિષ્ફળતા કિસ્મતના ખેલ છે,
કોઈની યાદમાં જિંદગી આખી જુરવું,અલગ વાત છે.
એક દાગ ધોવામાં નીકળી જાય છે જિંદગી આખી,
કીચડમાં રહી સ્વયમને સ્વચ્છ રાખવું અલગ વાત છે.
ભલે કોઈનો આનંદ જોઈ ને આનંદ ન પણ થાય !
મિત્ર,કોઈની વ્યથા જોઈ વ્યથિત થવું,અલગ વાત છે.
વિનોદ સોલંકી ” મિત્ર “