આંખમાં જો મૌન ગોરંભાય છે
તો ગઝલનું અવતરણ ત્યાં થાય છે
યાદ તારી શૂન્યમાં પડઘાય છે,
ને ફરી અવકાશ ત્યાં સરજાય છે,
વ્યાપ તારો વિસ્તરે છે વાયરે
ચોતરફ બસ તું મને દેખાય છે
છોડી વર્તુળ ક્યાં હવે હું જઇ શકું,
હર સમય સામે જ તું અથડાય છે,
શકયતા લંબાઈ છે હોવાં સુધી,
મારાં પડઘા લે મને સંભળાય છે
“તું” છે તો,હા, ક્યાં છે “તું”?
ક્હે મને
બાવરું મન ભીતરે કોરાય છે
હો તડપ એ લાક્ષણિકતા પ્રેમની
શું તને મારી ‘તૃષા’ સમજાય છે ?
પૂર્ણિમા ભટ્ટ ‘તૃષા’