આની પા વરસાદ છે ને ઓલી પા છે દિલ.
બેઉ વચ્ચે ક્યાં કશુંયે હાથમાં છે દિલ?
એવું તો નૈં કહું કે એની યાદ આવે છે,
રાત છે, વરસાદ છે ને ત્રીજી ચા છે દિલ.
દર્દનું કારણ હતું ચોમાસું દર વખતે,
આ વખત તો તુંય થોડું વાંકમાં છે દિલ.
હું હવે બહુ બ્હાર નીકળવાનું ટાળું છું.
છે ઋતુ વરસાદની ને તાજો ઘા છે દિલ.
એ લખે વરસાદ પર એકાદ બે ગઝલો,
આપણે ચોમાસું આખું ગાલગા છે દિલ.
-રિન્કુ રાઠોડ ‘શર્વરી’