આપવી જો હોય, કુરબાની અહમની આપીએ,
ચાલ, આ અળવિતરી ઈચ્છાની ગરદન કાપીએ.
એ રીતે પણ થઈ શકે સાચી ઊજવણી ઈદની,
એ જ મૂંગા જીવને હૈયાસરીસું ચાંપીએ.
કોઈ કત્લેઆમ લઈ જાતી નથી જન્નત સુધી,
શક્ય જ્યાં જ્યાં હોય ત્યાં થોડીક સમજણ સ્થાપીએ.
આપણે પોતે ખુદા, ખુદ આપણે ઈશ્વર અહીં,
પ્રેમ થઈને આજ ચારે કોર કેવળ વ્યાપીએ.
આખરે સઘળો વિષય શ્રધ્ધાતણો છે દોસ્ત આ!
નામ અલ્લાનું ય લઈએ, રામનું પણ જાપીએ.
આઈનો સામે ધરીને પૂછીએ તું કોણ છે?
જાતને એવી રીતે ચાલો ને ક્યારેક માપીએ.
~ હિમલ પંડ્યા