આભ ધરતી તાકવાની ટેવ કાં પાડી તમે,
જાત આખી તાગવાની ટેવ કાં પાડી તમે.
દેહ છે આરામ પણ કરવો પડે છે બે ઘડી,
રાત ભર આ જાગવાની ટેવ કાં પાડી તમે.
જ્યાં મળે છે બે હ્રદય જન્નત બને ત્યાં એટલે,
ત્યાં હ્રદયને માપવાની ટેવ કાં પાડી તમે.
હોશ પૂર્વક સાવચેતી રાખવાની હોય છે,
ઊંઘમાં પણ ચાલવાની ટેવ કાં પાડી તમે.
બોલવા કે ચાલવા જેવું નથી ત્યાં તો પછી,
કેમ ત્યાં પણ બોલવાની ટેવ કાં પાડી તમે.
-દિનેશ નાયક “અક્ષર”