ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
હું નમું ના કોઈ પથ્થરને, ભલે ને હોય આરસ,
ભક્તિ-પૂજા માનતા-બાધા બધું જ્યાં હોય ફારસ.
સૌ કહે છે એ મળે જોવા, ધરો સાચી જો શ્રદ્ધા,
રામ નામે એક પથ્થર પણ બની ગ્યો હોય પારસ.
છાપરું બાંધી કરો શું? આવતું ના કોઈ દ્વારે,
ભાગ્ય જેનું રાંક, વસિયતમાંય ક્યાંથી હોય વારસ?
જીવ એનો હોય બળતો, શીદ સાથે હું ય રડતો?
શ્વાસ મારા એમ રુંધે, એ જ મારો હોય સારસ.
આગવું છે સ્થાન એનું, હોય છો ને એક દિવસ પણ,
છે દિવાળી નામની, ના આવતી જો હોય બારસ.
દીપક ઝાલા “અદ્વૈત”