આવી શકે તો આવ ,હું આજે ઉદાસ છું,
ભૂલીજા ભેદભાવ,હું આજે ઉદાસ છું.
વ્યાકુળતા, જોજે કાંઈ ન આજે મણા રહે,
તારી કલા બતાવ,હું આજે ઉદાસ છું.
જ્યાં કોઈ મુજને છેડવા આવી શકે નહીં,
એવી જગા બતાવ,હું આજે ઉદાસ છું.
અરમાન તારાં આજ અધૂરાં ન રાખજે,
ના નહિ કહું, સતાવ ,હું આજે ઉદાસ છું.
લે ઈચ્છા આજ તારી પરિપૂર્ણ થઈ ગઈ,
ઘી દીવડા જલાવ ,હું આજે ઉદાસ છું.
લાચાર થૈને આવવું તેને અહીં પડે,
એવો મને બનાવ,હું આજે ઉદાસ છું.
જે સાંભળી અશ્રુઓ થંભે નહીં ‘રફીક’,
એવી ગઝલ સુણાવ ,હું આજે ઉદાસ છું
– રફીક હમીદાણી