મારા સિવાય કોણ તારી ઝંખના કરે?
તારા સિવાય કોણ તારો ઈન્તિઝાર દે.
જે દર્દ છે, એ દર્દ છે, એ દર્દ રહી જશે,
દેવાને આમ કોઈ દિલાસા હજાર દે.
ભૂતકાળને હજુ હું પચાવી નથી શક્યો,
વર્તમાનનાં વજન કે ભાવિના ભાર દે.
આ બંને સર્વ રીતે વ્યથાનું નિમિત્ત છે,
દિલ દે ન નિખાલસ, ન નજર આરપાર દે.
હું મસ્ત થઈ જવા ચાહું છું ઓ ખુદા,
તારો નહિ તો કોઈ ગમે તે વિચાર દે.
વિશ્વાસ, શંકા એ જ તો જીવનની છે મજા,
દ્રષ્ટિ મને દે કિંતુ ન એ આરપાર દે.
હુ ઈન્તિઝાર તારો તજું એક શરત ઉપર,
કે તે પછી બીજો કોઈ ન ઈન્તિઝાર દે.
ચાલ આવ આખી રાતને સાથે વિતાવીએ,
આવ આવ આખી રાત તારો ઈન્તિઝાર દે.
ખાલી તને જ ચાહું મને એ નથી પસંદ,
દુનિયાના પ્યારમાં જ મને તારો પ્યાર દે.
શ્રદ્ધા કે શંકા એની મજા ઔર હોય છે,
દિલ સ્વચ્છ દે મને ન નજર આરપાર દે.
મરીઝ