ઈશ્ક કરવાથી આબરૂ જાશે,
અથવા ડરવાથી આબરૂ જાશે ?
રાખવું યાદ ખુદનું સરનામું,
એ વિસરવાથી આબરૂ જાશે.
હોય સૌની અલગ અલગ શેરી,
ક્યાં નિસરવાથી આબરૂ જાશે.
એ કશું આપવાના હોય નહીં,
હાથ ધરવાથી આબરૂ જાશે.
કંઈ સમજતા નથી એ સાધુડા,
નગ્ન ફરવાથી આબરૂ જાશે.
એટલી જર્જરિત કાયા થઈ,
કે ન મરવાથી આબરૂ જાશે.
– ભરત વિંઝુડા