એક દર્પણ બાળ નાનું હોય છે,
આવડે જોતાં, મજાનું હોય છે.
પંડની મસ્તી નિખાલસ અંતરે ,
સ્વપ્ન એનું સાવ નાનું હોય છે.
બાળવાણી મીઠ્ઠડી પણ આગવી,
કાળજીથી જાણવાનું હોય છે.
હો કૂતુહલ એમનું પ્રશ્નો ભર્યું,
એ કદી ના ટાળવાનું હોય છે.
ને નજરઅંદાજ એને ના કરો,
બાળ પણ મોટા ગજાનું હોય છે.
બાળમનનું બીજ કાચેરું કુણું,
વાવીએ જે ઊગવાનું હોય છે.
બાળમનની સ્લેટ કોરી, સાફ પણ
આપણે એ શીખવાનું હોય છે.
~ હેમા ઠક્કર “મસ્ત”