એક સપનું આંખમાં ઊગાડતાં વર્ષો થયાં
ને પછી એને જ પાછું દાટતાં વર્ષો થયાં.
જે કશું સમજાયું એ સ્વીકારતાં વર્ષો થયાં
જે સ્વીકાર્યું એ બધું અપનાવતાં વર્ષો થયાં.
જિંદગીને શર્ત વિના ચાહવાની હોય છે
આટલી સમજણ ને ડહાપણ આવતાં વર્ષો થયાં.
આંસુઓ, અવહેલના, પીડા, ઉદાસી ને વ્યથા
એ જ રસ્તે એકધારું ચાલતાં વર્ષો થયાં.
એમણે પૂછ્યું, હું તારી જિંદગીમાં હોત તો?
કેમ કહેવું એમને? કે – ધારતાં વર્ષો થયાં.
માછલીની આંખ તો પળવારમાં વિંધી અમે
ત્રાજવે ઊભા રહીને તાકતાં વર્ષો થયાં.
: હિમલ પંડ્યા